Posts

સુપ્રભાત

સવારના પતંગિયા, નવી સોડમ લાવ્યા, ચાલ નવો દિવસ ઊગ્યો,એ સંદેશો લાવ્યા. ઊઠ ઊભો થા, કર કૂચ સફરમાં આગળ કાંટા આવે કંકર આવે ના જોતો તું પાછળ. નવા દિવસની નવી શરૂઆત નવી તાજગી સાથે સૂર્યના કિરણો પથરાયા, નવા સફરની સાથે. તું હરદમ આગળ વધતો જા, નવી સફળતા સાથે. મન મોટું છે, દિલ મોટું છે,તો સમય છે તારી સાથે. Gayatri Desai 

જિંદગી જીવી લેવા દે....

રણઝણ કરતાં વિચારો આવે છે અને ખટખટાવે છે  મનના દ્વાર,  રણઝણ કરતાં સપનાઓ આવે છે અને ખટખટાવે છે નીંદરના દ્વાર.  મન કહે છે વિચારોને, હવે ઝંપીને થોડું વિરમવા દે;  નિંદર કહે છે સપનાઓને હવે શ્વાસ તો થોડો લેવા દે. જિંદગી આમજ વહી ગઈ સપનાઓ અને વિચારોમાં;  જે આવે છે એમને આવવા દે, જે જાય છે એમને જવા દે, હવે તો થોડી જિંદગી જીવી લેવા દે! Gayatri Desai 

લાગણીના ભાવ

લાગણીના શબ્દો!!!!  એ તો કંઈ હોતા હશે? લાગણી...તો.... લાગણી છે! એને કહેવાય નઈ, એને વહેવડાવાય  એને સંભળાવાય નઈ, એને સમજાવાય. અરે! એને સમજાવાય પણ નઈ...! બસ સમજી જવાય. મન થી મન, હૈયા થી હૈયાનો લગાવ એટલે લાગણી હૃદયના ભારને ઝંઝોળી દે એનું નામ લાગણી, એના શબ્દો ના હોય એના ભાવ હોય. Gayatri Desai 

મનમોજીલા

મનમોજીલા થઈને ફરીએ, અમે ન કોઈથી ડરીએ આજકાલની ફિકર કરીને શીદને વાદે ચડીએ. Gayatri Desai 

જીવન

તડકી છાંયડી જોતા જોતા વીતી ગયું જીવન આજે મળ્યું, કાલે કોને ખબર કેવું હશે જીવન. મોજીલા બાળપણની શરૂઆત, આધેડ વયની વાતો વૃધ્ધાવસ્થાની આરે આવતા, થયા અંગ-ઉપાંગ શિથિલ  હવે લાગે છે પારકું થયું આ હાથ - પગ અને હૈયું. ભાડું ચૂકવી ખાલી કરવું પડશે હવે આ મનમોજીલુ નગર. ભાડાના મકાનમાં રહેતા રહેતા ક્યારે વીતી ગયું જીવન, તડકી છાંયડી જોતા જોતા વીતી ગયું જીવન. Gayatri Desai 

દીકરી

મારા ઘરેણાં નું માણેક મારી દીકરી મારા ઘરની શોભા મારી દીકરી મારા આંગણાનો કુમળો રોપો મારી દીકરી મારા રોપાની કળીએ કળીએ કુંજન કરતી મારી દિકરી મારા કુળની માળાનું મોતી, બીજા કુળની માળાની શોભા બની ગઈ.. મારું પારેવડું, એને પાંખ આવી ગઈ, એ ઊડતા શીખી ગયું અને ઉડીને એના માળામાં ભરાઈ ગયું..... Gayatri Desai 

છોડવું પડે છે....

  મારું બધું મારું નથી એ હક પણ છોડવો પડે છે અને એટલેજ ક્યારેક જીવનભરનો સંગાથ પણ છોડવો પડે છે. કોઈકની ખુશી માટે ક્યારેક 'સ્વ' ને છોડવો પડે છે,  અને એટલે જ સ્વાર્થની આ દુનિયામાં ક્યારેક 'પર' ને છોડવો પડે છે. કંઇક મેળવવા માટે કંઈક જતું કરવું પડે છે, અને એટલે જ એક શ્વાસ લેવા માટે બીજો શ્વાસ છોડવો પડે છે. Gayatri Desai