સમયની સંતાકૂકડી
સમયની સંતાકૂકડી
સમય જોને સહુની સાથે સંતાકૂકડી રમતો રે.
રમતા રમતા જાણે મારી સામે આડકતરું જોતો રે.
કાલે હું એકલો રમતો હતો,આજે તું એકલો રમતો રે.
એવું જાણે મંદ મંદ અટ્ટહાસ્ય મારી સામે કરતો રે.
હું એની પાછળ દોડું તો એ આગળ દોડ્યે જાતો રે.
હું વાટ જોઈને બેસુ તોય,એ કદી નિકટ નાં આવતો રે.
સપનાં ઘણાં દેખાડ્યા, એ પૂરા થાવા નાં દેતો રે.
સપનામાંય વિચાર્યું ના હોય, એવું દેખાડી દેતો રે.
જ્યારે શોધું એને એ પાણીનાં રેલા ની માફક દોડતો રે.
આજકાલ નાં ચક્રમાં ફસાવીને એ મને રોજ રમાડતો રે.
મળ્યો સૌને સમાન તોય સરખો નાં તારો મારો રે.
આજે મારો કાલે તારો, આજે ખરાબ કાલે સારો રે.
પ્રકૃતિ ની ગજબ વેદના સમય બતાવતો રહેતો રે.
પૂર્વજોના આત્મસાદ ને સમય સંભળાવતો રહેતો રે.
મનેખ ની ભૂલ સમજાવવા તડકી છાંયડી દેતો રે.
જ્યારે જોઉં ત્યારે ઇતિહાસને દોહરાવતો રહેતો રે.
સમય કેવો બળવાન રે,સુખદુઃખની ઓળખ આપતો એ,
ક્યારેક હસતાં ક્યારેક રડતાં સમય સૌને શીખવાડતો રે.
સમયના બીબામાં ઢળતા અહી કોને આવડે રે.
કોણ તારો ને કોણ પરાયો સમય જ તો બતાવતો રે.
Comments
Post a Comment